Monday, January 5, 2015

અરવિંદ બારોટ-મીના પટેલ


લાજુડીનો જવાબ ....

 
લાજુડીનો જવાબ ....
*********
મારા ભવો ભવના ભરથાર,મોહન,તેં તો ગજબ કરી નાખ્યો,મારા વા'લા !
ખોળિયું મૂકીને જીવ જાય એમ તું મને મૂકીને હાલી નીકળ્યો!
સો ટચના સોના જેવા તારા ભોળપણ પાછળ ગાંડી થઈને મોટા જમીનદાર બાપનું ઘર છોડીને હાલી નીકળી'તી.
ત્યારે મને ખબર નો'તી કે તારું ભોળપણ જ મારું વેરી થશે.મારો ગુનો એટલો કે હું થોડુક ભણેલી છું.
અરે, ગાંડા !જીવવા માટે હૈયાના સગપણ કામ લાગે,ભણતર નહિ !
તારા હેતમાં તરબોળ થઈને હું 'લજામણી'માંથી 'લાજુડી'થઇ ગઈ.તારામાં ઓગળી ગઈ,
પણ તે મારાથી જુદારો રાખ્યો.રોજ સવારે તું મને ઠાકોરજીના મંદિરે દર્શન કરવા લઇ જતો
 'ને હું રોજ કહેતી કે આ મુરલીધર મોહન કરતાં મને મારો આ મોહન વધારે છે.
ઈ મોહન તો આખા જગતનો,જયારે તું તો મારી એકલીનો !
તારે નહી કોઈ રાધા, નહિ કોઈ ગોપી !તારે તો બસ,તારી લાજુડી....!
તારી ભોળી આંખ્યુંમાં મને મારા સપનાની દુનિયા દેખાતી.પણ તેં તો મારી નાવડી મધ દરિયે ડુબાડી..!
હવે મોરપીંછ રંગની સાડી પહેરીને મારે કોને દેખાડવી !કોના માટે શણગાર સજવા !
મારો સાચો શણગાર તો મને નોધારી મૂકી ને જતો રિયો.!
મોહન,શું કહું તને ?તારી પાયા વગરની શંકાએ આપણી લીલીછમ્મ વાડીને ઉજ્જડ કરી નાખી.
સરપંચનો દીકરો શંકરિયો વારે વારે મારી પાસે કાગળ વંચાવવા આવતો એટલે તું વહેમાણો.
અને ઈ શંકાના બીજને તેં મનમાં ને મનમાં ઉજેરીને મોટું કર્યું.તેં પોતે જ ધારી લીધું કે મને તારી પડી નથી.
અરે ભલા'દમી હું તો તારો પડછાયો છું.તું છે તો હું છું.તારા વિના ની મારી દશા તો પાણી વગરની માછલી જેવી છે.
હવે હું તને ક્યાં ગોતું ?આ કાગળ ક્યાં મોકલું ?
અરેરે...આ કળજુગમાં સાચુકલા માણસ પણ માંડ મળે છે,'ને હું અભાગણી સો ટચના સોના જેવો ભરથાર ખોઈ બેઠી.
તારા ખોટા વહેમને કારણે આપણું જીવતર ઝેર થઇ ગયું.
"આઈ લવ યુ..આઈ લવ યુ "કહેનારા ધુતારાના ટોળાં તો બહુ છે,
પણ "તું મને બવ વા'લી છો"-એવું કહેનારો મારો ભોળિયો રાજા ક્યાં ?મારા મનનો મોહન ક્યાં ?
મોહન...મોહન,તારી લાજુડીને છોડતાં તારો જીવ કેમ ચાલ્યો ?
આ કાગળને હવામાં ઊડતો મૂકું છું.
કાગળ તો તને મળે કે ન મળે,પણ મારા હૈયાના હીબકાં તો તને જરૂર સંભળાશે...

-જનમો જનમની તારી જ ..લાજુડી..

લાજુડીનું મન @અરવિંદ બારોટ.


લાજુડીનું મન @અરવિંદ બારોટ.

જેઠ મહિનાના બફારાની ઊકળતી રાત્ય.ઈ જ ઓરડો,ઈ જ ઢોલિયો અને ઈ જ બે મનેખ.
બળતા દીવાની વાટ્યને મોગરો ચડી ગ્યો છે.ઝાંખા ઉજાસમાં ઘેરી ઉદાસીની છાંયા  ઢળી ગઈ છે.
લાજુડી પડખું ફરીને સૂતી છે.મોહન મોભારાને તાકી રયો છે.
બે ય ઉઘાડી આંખ્યે જાગે છે.કોઈ કોઈની હાર્યે બોલતું નથી.
ફૂલના ઢગલા જેવો આ ઢોલિયો છેલ્લા છ મહિનાથી જોગીની ધૂણી ની જેમ ધખે છે.
"મને ઘામ થાય છે,હું ફળિયામાં જાઉં છું."
મોહન પછેડી લઈને બહાર ગયો.લાજુડી ન બોલી,ન સળવળી,ન એની  આંખ્યુંનો  ભાવ ફર્યો.
*
સુદ ચૌદશના ખૂલ્લા આકાશ નીચે ફળિયામાં ખાટલો ઢાળીને મોહન આડો પડ્યો.
 "આભલું કેવું રૂડું લાગે  સે ! તારોડિયાની ભાત્ય વાળી બાંધણીમાં લાજુડીના રૂપાળા મોઢા જેવો લાગે સે આ ચાંદો !
પણ..ચાંદોય હજારો ગાઉં છેટો..'ને લાજુડી ય ...!
સું થ્યું સે લાજુડીને !કાંઈ કે'તી નથી...મનમાં ને મનમાં હોહ્વાયા કરે સે ...
ઢળકતી ઢેલ્ય જેવી મારી લાજું ચીંથરાની ઢીંગલી જેવી થઇ ગઈ સે...!
આજ છ છ મઈનાથી વેણ તો ઠીક,મારી હામે નજરેય નથી માંડતી...!
"હે,માતાજી !મારી લાજુંનો કિલ્લોળ  એને પાછો દઈ દે,'ને એના હંધાય દખ મને દઈ દે..!
ભાંગતી રાત્યે છેટે છેટેથી-ગળાઈ ગળાઈને ભજન સંભળાતું 'તું-
"છઈએ દુખિયા રે અમે નથી સુખિયા,
'મારી દાઝેલી દેયુંના અમે ભવ દુખિયા....


ભજનના વેણે વેણે મોહનની આંખ્યું નીતરતી રહી...આખી રાત્ય...
ઓરડામાં ઢળ્યા ઢોલિયે અગનસેજમાં શેકાતી લાજુડીનો રુદિયો રોતો'તો 'ને આંખ્યુંના વીરડા સુકાઈ ગ્યા'તા,
જાણે જીવતરમાં મયળ દુકાળ પડ્યો...
*બળબળતી બપોર.
વેરાન વગડામાં ઢોર છુટ્ટા ચરે છે.
પાંદડા વગરની પીપર હેઠે મોહને પછેડીમાં બાંધેલો રોટલો કાઢ્યો.
"લાજુના આંહુંડાથી જ આ રોટલાની કણક બંધાણી હશે ને !કેમ ખાઉં આ રોટલો !"
"રદામાં લા'યું લાગી હોય તઇં ઓદરની લા'યું તો ઠરી જ જાય ને !"
રાત્યે સાંભળેલા ભજનની કડી હૈયે ચડી...
"દાઝેલી દેયુંના અમે ભવ દુખિયા..." 

ભગલો........@ અરવિંદ બારોટ

ભગલો........@ અરવિંદ બારોટ
-----------------

ભગલાને તો ભારે થઇ !
નામ રૂડું 'ભગવાનદાસ ત્રિભોવનદાસ અકલકરા'
પણ બધા 'ભગલો'જ ક્યે !
કર્યો આઈડિયા ભગલાએ-
નામ રાખ્યું-ભગેશ ટી.
તોય કે'વાણો 'ભગલો'
ભગાને બરોબરની ચાટી ગઈ...
B T. નામથી સહી કરીને ભગા શરુ કર્યા.
'ને જામી ગ્યો ભગલો.
ભગલાને તો રૂપિયાના ઢગલા !
પછી તો
લીધી ગાડી,આવી લાડી,
આવી લાડી,કાઢી માડી.
"મારી માને કાઢી મૂકી ?તારી જાતની....!
"ભગો બદલ્યો.બૈરીને તગડી મૂકી.
બાયડી તો બીજીય થાય...મા ક્યાં મળે ?
નીકળ્યો માને ગોતવા ..
પંચાયતના બાંકડે મા બેઠી'તી,
દીકરાને ભાળીને માએ ગડગડતી દોટ મૂકી...
આવ્યો,..મારો ભગલો આવ્યો...!
હા,મા !હું તારો ભગલો....!