Friday, January 2, 2015

રતાંધળા માણસનું ગીત.......@ અરવિંદ બારોટ

રતાંધળા માણસનું ગીત.......@ અરવિંદ બારોટ
-----------------------------

દિ' ઢળતાંની સાથે ઢળતાં આંખ્યુંનાં અજવાળાં,
કોણ કોણ-ના જંગલ ફરતાં શંકાનાં ગરનાળાં.

નથી નથી-છે-નથી નથી-ના થોક રાફડા ફૂટ્યા,
ઉંબરમાં અટવાતાં મારા જલમ કાચના તૂટ્યા;
આંગળિયુંના નથી ખમાતા અણગમતા પડતાળાં.

રામ,તમારી ડેલી આગળ હુતાસણીના ભડકા,
અને અમારે અંધારાના હૈયાહુંદા થડકા;
કેમ કરીને વરતાશે આ પગલાંના સરવાળા !

હવે અમારી ઠેસ ભરેલી જીવતરની આ પેટી,
હળવે રહીને ઘા કરતાં પણ નથી જણાતી છેટી;
કંકર કાં તેં દીધા અમને,માગ્યા'તા પરવાળાં !

No comments:

Post a Comment