Friday, January 2, 2015

ફોટો પડ્યો.....@ અરવિંદ બારોટ

ફોટો પડ્યો.....@ અરવિંદ બારોટ
------------------

સાંચવેલો રૂપિયો ખોટો પડ્યો,
આયખાની શેરીએ સોપો પડ્યો.

આજ લગ તો મેં મને ના ઓળખ્યો,
વીજ ચમકી,જીવનો ફોટો પડ્યો.

જાત સોંસરવા જવાની ખેવના,
ને વચાળે ચિત્તનો ચોરો નડ્યો.

વૃક્ષ, ડાળી, પાંદડાં ઘેઘૂર છે.
મૂળગી લીલાશનો ઝોલો ચડ્યો.

ગટગટાવ્યો આમ તો આકંઠ મેં,
તોય પ્યાલો પ્રેમનો ઓછો પડ્યો.

લે, અષાઢી મેઘ તો તૂટી પડ્યો !
ગ્હેકવામાં મોરલો મોડો પડ્યો.

No comments:

Post a Comment