વીરગતિની તરસ્યું અને રાતું રુદન @અરવિંદ બારોટ.
-----------------------
પીઠી જેવી પીળી તરસના અડૂડ ઉતારા મારા શ્વાસમાં.
આંખ્યમાં દરિયા જેવા લોઢ.
અજવાળી આઠમની રૂડી અળતાળી પાનીએ સળગે
ખાંડવ વનનું પાપ.
પાપને ભોરિંગ થઇ વીંટળાયા મારા ગિયા જનમના શાપ.
આયખું ટીપે ટીપે વરસે.
મીંઢળબંધા અડાબીડ કો' રાજવળાંની બેલાડયે બેસીને રોતી
જોણાંની મરજાદ.
મારગે ડાબી ભેરવ કકળે.
ભોમિયા વૈતરણીમાં રઝળે.
મોલાત્યુંમાં દીવડા ભેળાં ચડ્યાં ધ્રૂસકે ચંપાવરણાં રૂપ.
પંડ્યમાં ધરબી દીધો ડુંગરિયો દવ.
માંયલો રાત્ય વરત્યનો ડંખે રે કાંઈ ડંખે...
કાળમીંઢ પાણાની છાતી ધીમું ધીમું ધબકે.
હીંગળોકિયા લોચન ટપકે રાતું રાતું ઘેન.
સોનાની શરણાયે વીંટયા તડાક દઈને તૂટે
રાતાંચોળ બલોયાં-રોજ ભાંગતી રાત્યે....
પ્રાગડ વાસ્યે રૈયતનો રઘવાટ
ખોરડે રોજ કળેળે કાગ
દુખણાં લેતી હથેળિયુંમાં ઊગ્યાં વખના ઝાડ.
ઓરડે અણોસરી કંકુની લોળ્ય
ઘરચોળાની ભમ્મર ભાત્યે પાડી કાળી ચીસ
સૂરજગોખના ઊગમણા અજવાસ આજ કાં ઝાંખા લાગે ?
ચૂડ્યના વાંસા જેવું કણસે ઘરના માઢુંડાનું મોત.
છાતી પાડી ચડ્યાં હીબકે સતી આઈના થાપા.
રોજ રાતરે હિરણ્યની ભેંકાર ભેખડ્યે
માયાવી મોલાત્ય ઝળેળે...
ઓરડે ચોપાટ્યું મંડાય
સોગઠે ધીમું ધીમું મરતો રે કાંઈ પદમાનો પ્રીતમ.
ગઢ-ઘોડાર્યે પ્રેત હણેણે
છાતીનું પોલાણ ભરી ને વીર માંગડો દર્દ નીતરતા દુહા ગાય.
અંધારાના ઘૂંટ ભરીને વળી વેદના વણસે રે કાંઈ વણસે..
પીઠી જેવી પીળી વાસના સળગે રે કાંઈ સળગે...
[કવિલોક-એપ્રિલ,૧૯૮૦]
No comments:
Post a Comment